63 - અગતિગમન / ભાનુપ્રસાદ પંડ્યા


ક્યહીં વેરાનોમાં વજનતણું થૈ આસન નગ
પડ્યો હોય તેવો ઘરમહીં હું યે ! આ પથ બધા
રિસાય-ના છાપે નિજ ધૂળ મહીં બે’ક પગલાં
હવે મારાં, ઘોડી બગલ રહી બબ્બે અહીં છતાં
શકું ના દોડાવી ! જરીક ખસું જ્યાં ઓસરી પરે
ભમું શી શ્વાસોની ચડઊતરમાં થાંભલી કને
પડું બેસી-જોતો દિન ઢળી રહ્યો દૂરની સીમે.

પછી ત્યાં ઊભાં ખેતર, દ્રુમ અને ટેકરી ભણી
હંમેશાં જે લેતી ખરખબર તે કેડી ય મને
ઉપાડે સંગાથે, વિહગતણી પાંખે રમણીય
ચડું ઊંચે, આવ્યું સમીપ નભ આખું ? શ્વસિત હું !

લલાટે મારી ને કંઈક તરણાં લૈ મુખમહીં
ચરી આવે ધેનુ (ઘર ભણી સદેહે સીમ ?) સહ
વળું પાછો ! – એવી પગ વગરના આ પથિકની
                            થતી યાત્રા પૂરી...?


0 comments


Leave comment