52 - કાવ્ય – ૮ / હરિશ્ચંદ્ર ભટ્ટ


એ રાત્રિઓ, શિશિરની અતિ-દીર્ઘ રાતો !
ત્વદ્દેહ શો પ્રિય ! વસંત નદી સમો એ !
ઊર્મિ ભર્યો, છલકતો, તટ સ્પર્શતો એ !
ઓષ્ઠોતણાં મધુર ઈપ્સિત ચુંબનો એ !

ગાત્રોય ચારુ નદીશાં અભિરામ કેવાં !
એ રૂપઊર્મિ તુજ કોણ શકે જ ખાળી !

ખુશ્બો નવાંકુર તૃણોનીય દેહમાં એ,
લીલો સમીર મૃદુ, કોમલ ચંદિરાયે.
પ્રેમોર્મિગીત-રવ-મંજુલ દેહમાં એ,
શા કાવ્યવાણી ધ્વનિઓ ઉઠતા હતા ત્યાં !

એ દેહબંધ, ઉરસંપુટ દીર્ઘ રાત્રિ
ના, પર્વ એ રજનીનાં ઉભરાય પ્રેમે.
શાં આતુરાં મિલન એ કરયુગ્મનાં. ને
સૂઝેલ આંખ રજની વિતતાં અમારી.

એ ગાત્ર કેમ તવ ખાળી શકું કદીયે –
ત્વદ્દેહ રૂપજલ ઉચ્છલતા તરંગો ?
સ્વર્ધુંનીનીર પ્રિય એ, પ્રિય દેહઊર્મિ
નાં સીંચનો, શરીર કામણ કોણ રોકે?


0 comments


Leave comment