37 - શોધ્યો છે તને / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


આવરણની પાર પેલે પાર શોધ્યો છે તને,
મેંય બારોબાર, બારોબાર શોધ્યો છે તને.

સાવ ખુલ્લી આંખથી નજરે ચઢ્યો ના એ ક્ષણે,
ઓલવી બે આંખનો વિસ્તાર શોધ્યો છે તને.

ક્યાંક તડકો, ક્યાંક સંધ્યા, ક્યાંક ઝળહળ રોશની,
ક્યાંક ઓઢી રાતનો અંધાર શોધ્યો છે તને.

આપણા છૂટા પડ્યાથી આજની આ ક્ષણ સુધી,
મેં સમયની સાવ હારોહાર શોધ્યો છે તને.

આમ તો પરવા જ ક્યાં છે કોઈની ‘નારાજ’ને,
તોય તારો સાચવી અણસાર, શોધ્યો છે તને.


0 comments


Leave comment