19 - જીવનનો જય ? / હરિશ્ચંદ્ર ભટ્ટ


જીવનનો જય ! ને જય મૃત્યુનો !
ઉભય એક : જુદા ગણતો હતો ?
સત – સનાતન – મૂર્તિ પહેરતી
દ્વિપક કંચુકી હેમકથીરની.

ઉભય ઉન્નત વક્ષ સમાવતાં
ઉભય થાન મહીં ભર્યું અમૃત,
કથીરને પડખે હતું મૃત્યુ, ને
કનકને પડખે હતું જીવન.

નયનમાં કરુણા થાકી જો ગ્રહે,
જીવન મૃત્યુ બધું સરખું જ છે.

જીવનનો જય ! ને જય મૃત્યુનો !
ઉભયના જયમાં જ પરાજય.
પ્રણયનો જય સુંદરનો જય
ઉભયનો જય એક પરાજયે.


0 comments


Leave comment