18 - તળાવ – ૧ / વસંત જોષી


આ તળાવ
છલોછલ હોય છે ચોમાસે
ટેકરીઓ પરથી અંધાધૂંધ દડી આવતું
ડહોળું, શાંત બની
આસમાની બને
ના ભરતી મોજાં ઉછાળાટ
નાવ મધ્યે સ્થિર
ના હાલક ડોલક
ઊંડા જળનો આસવ
અર્ધા શહેરને પાણી આપતો ડેમ કહો
મારે તો સ્કૂટર પર લાવવું પડે
નજીકના સ્ટેન્ડપોસ્ટ પરથી
આ તળાવ
કઈ બાજુ છલકે એ તું જાણે
હું જાણું કેવળ તગતગતાં તળ
હેઠવાસમાં મકાન
વિચાર સરસ
છલોછલ તળાવ પાસે
મોતીડે બાંધી પાળ
પાળ પર પ્રેમી
છલોછલ છલકતાં
તળાવ કાંઠે
આસમાની ફૂવારા તારા પર ફેંકુ
ખડખડાટ હસી પડે તું
આસમાની
તળાવ કાંઠે

૧૪ જૂન ૧૯૯૮


0 comments


Leave comment