21 - ગર્ભ / વસંત જોષી


હાથ લંબાય
પાણીને પકડવા
છેક તળિયા સુધી ઊતરી જાય
વજન વિહોણું લાગે
હાથને હાથ હોવાનું
વહેતાં પાણીનું
અસ્તિત્વ જ પ્રવાહિત
પગ ડુબાડો
કે ડૂબો
પાણી તો પાણી જ
પાણી-પાણી થઈ જવાય
તોય પાણી તો
વહી-વહીને અંતે દરિયો
‘ભડ-ભડ બળે’ આખીયે
દરિયો બનવાની ઘટના
હાથ લંબાય
       ક્યાં છે ઘટના ?
       પાણી હોવાની ?
પાણી ?
રક્ત ?
શું વહે છે મારામાં ?
મારી નજર સામે
ઢોળાઈ જાય આંખ
પાણી નીતરતી
ફસડાઈ પડે સમય
બળે આંખ
સળગી ઊઠે
ક્ષિતિજની રેખા પર
ફેલાઈ જાય પાણી
ઊંઘમાં
સપનામાં
ડૂબે માણસ
તરફડે
બની શકે સપનું જ હોય
બની શકે હાથ લંબાય
એમ પણ બને
લોહી સાથે પાણી
પાણી સાથે પાણિ
બટકી જાય ઈચ્છા
ઈચ્છાજળને ફૂટે પાંખ
ફફડે
સફેદચોકમાં
ઊઘડી આવે
સામટું આકાશ
પાંખ વચ્ચે વાદળ
પણ સારું છે
પકડાતો નથી
પાણીપણાનો ઉકેલ
લંબાયા કરે
તળિયા સુધી હાથ.

૧૦ મે ૧૯૯૨


0 comments


Leave comment