22 - ભરડો / વસંત જોષી


પથ્થરિયા રસ્તાની
ડાબી બાજુ ઊગેલાં
ખડનાં મૂળમાં
જીવડું ફસાયું હોય તેમ
અસ્તિત્વના એક ભાગને
હલાવી અનુભવી લઉં
શ્વાસોચ્છવાસ

ભરડો
સખત વળગ્યો છે
ખાસ કરીને પીંડીએ
પીંડીનાં પાણી ઉતાર્યા
પરિશ્રમ વિના જ
કઠ્ઠણ માંસપેશીના
મુલાયમ લાગતા
સ્પર્શની સુંવાળી
હથેળી વચોવચ
વટાણા જેવું
ટચલીના ટેરવે
અનુભવાય
ત્યાં તો પડળ પાછળ
સૂતેલાં પાણી ચળકી ઊઠે
કુંડાળાં તરફ ધસે
બેપરવાં વહે
ખંજન પડતાં ભાગે
ખિલખિલ ગાલે
બે નાનકડાં ખીલ
અવરોધાય ભરડો
ખીલની ટેકરી પર
પીળચટ્ટી ટેકરી પર
ઘાસ લીલું
હળવા ઘાટીલા ખરબચડા
સુંવાળા સ્પર્શની
લ્હાણીની ઉજાણી
સપડાય છે
ભરડામાં
કદલીસ્તંભના
સુંવાળા પાનપર
ઝાકળના ટીપાંમાં
ચૌદ બ્રહ્માંડ સૂતાં હોય
બરફ પીગળતો
ઘટ્ટ પ્રવાહી-રૂપે
ખીણ તરફ ધસતો
કાંજી કરેલા વસ્ત્રની કોરે ચુસાઈ જાય
સ્પર્શના અભાવે

અભાવ
ભરડાનો નથી
લેવાયો છે ભરડો
મુક્કાબાજી કરી
છૂટવાનો સવાલ નથી
વાળનાં ગુચ્છ ઉછાળી
આકાશે જોતાં
કદલીસ્તંભના પાને પોઢેલા
ઝાકળ ટીપાંમાં
પ્રિયતમાનું દર્શન શક્ય નથી
પીળચટ્ટી ચડીને
આંખે હથેળી ધરીને
કમર ફરતે પટ્ટો બાંધી શકાતો નથી
સફેદ દંતાવલિ વચ્ચે
અખરોટ ચોકલેટ મહેંકી ઊઠે
છતાં છૂટે નહિ
ખીણ તરફ ધસતાં
ઘટ્ટ પાણીને
ઊંડે ઉતારવાંની ઈચ્છા
આંગળિયો રોમાંચિત
મુલાયમપટ્ટીમાં હાથ અટકે
ક્લિપ ઢીલી કરવા

કસોકસ
વળગ્યો છે ભરડો
ધીમાં પગલાં દબાવે
પીઠનાં મસલ્સ
આંગળીઓની ભીંસ
શ્વસે રતિશાપ
નજીક આવતા તૂટી પડે બંધ
ફૂંફાડે બેરફીલું પાણી
ઊછળે સ્પર્શનાં સ્પંદનો
ભરડા ભીતર તૂટે પંચેન્દ્રિય
બ્રહ્માર્પણમસ્તુ
ખેંચાય સમૂળી કાયા
ચાલે
લટકતી ચાલે
નિતંબના થડકારે
ધ્રૂજે ચૌદ બ્રહ્માંડ
નિતંબના થડકારે
ધીમા થડકારે
સૂસવે સુક્કાં પાન
ખંજન ગાલે
ટપકે ટચલી
સુંવાળીકોર વચ્ચે વચલી
ખસે
ધસે
ટેકરીઓની ટોચે
લાગે પલાંઠી
ઘેરી વળે ભ્રમણા
આસપાસ વાંસ
પછીથી
ઊબકે ચડતો સ્પર્શ
ઠરી જવાની ક્ષણે જાગી ઊઠે
સઘળી ઈપ્સા

ફિલમ જોતાં સીંગ ખાવાની મજા
ખંડેરમાં પણ આવે
કાંગરે કોયલ
ધરે બોગનવેલ અંધકાર
ઝળહળે અંધકાર
સ્પર્શના પ્રતાપે
આજ સુધી કર્યું
સઘળું ફોક
ખાલીખમ્મ બોખ વચ્ચે મહેકે
રાતરાણી જૂઈ ચમેલી
ગંધમાં ભળે
કાનની લાલલાલ બૂટ
પ્રતિબિમ્બાય પ્રિયતમા
ઝાકળનાં ટીપાંમાં
કદલીસ્તંભ ફરતે
ભીડો દરવાજા
દરવાજે દરવાન વિના
ભરો ચોકીપહેરો
ભરો બાચકાં ભીંસના ચારે પહોર
ચૂમો
ચૂમો પ્રિયતમાના ગાલ
ચૂમો
ગાલ પરનાં ખીલ
પીળચટ્ટાં
ખરબચડા પથ્થર ફેંકો
દૂ.............ર
હળવેથી ઊંચકો માથું
નયન ખોલી
નિહાળો નયનાને
અસ્ખલિત વહાવો
પ્રવાહ ઘટ્ટ
ઊંડાણે ધરબો
હયાતીનો અંશ
ફૂટો શરીરે
રતિશાપની મુક્તિ
વીંઝો બે હાથ
વછૂટો
સખત વળગેલા
પીંડી ભાગના ભરડાથી.

તળાવની પાળે
પથ્થરિયા રસ્તા વચાળે
ખડનાં મૂળને હલાવી
અનુભવો
શ્વાસ સાથે ભરડો
ખંજન પડતા ગાલે
ગલીપચી વચાળે
મુલાયમ
કઠ્ઠણ
ભરડો.

૮ ફેબ્રુઆરી/મે ૧૯૯૪


0 comments


Leave comment