23 - વિપ્લય / વસંત જોષી


જાગ્યો છે
અંદર બહારથી
ઘટાટોપ વાદળ વચ્ચે
ઢીમ થઈ ગયેલા
સમયની પાળે
જામ્યો છે જામ્યો છે જામ્યો છે....

કરાલરાત્રિનાં
તમિસ્ત્ર અંધકારે
વરુના ટોળાંનો ચિત્કાર
ઘેરી વળે
ધીમે ઊઠી
શિથિલ પગને
ગોઠણ’ને સાથળ સાથે
ચામડાની પટ્ટી બાંધી
કસોકસ પકડી
તલવારની મૂઠ
ચાંદીનો પોપટ ફફડવા મથે
પોપટની આંખ
થરથરતી પાંખ
ઊથલો ખાતા
હિંસ્ર રાનીપશુના ફુત્કારમાં
વલોવાઈ
આવતા અવાજના પડઘામાં
તું !
ક્યાં છો ?
ભાઈ ! સખા !

જામ્યો આ ભયંકર
ભયંકર રાતનો અંધકાર
તમરાના તીણા ન્હોર
ભુખાળવા પેટમાં ફુરચો બોલાવે
સુક્કાં પાનનો
વનરાજના કંઠે બાઝેલી તરસ
ખળખળ વહેતી નથી
પંદરમા માળની ગેલેરીમાં
અડધી ખુલ્લી બારીમાં
ટમટમતા નાઈટલેમ્પમાં
આઈસક્યૂબમાં
સ્પીકરનાં સંગીતમાં
કરકરા પાપડમાં
હાય !
હલ્લો !
અડધા ખુલ્લા હોઠમાં
લિપ્સ્ટીકના રંગમાં
પિન્ક-યલોનું કોમ્બીનેશન
હાય.... અફલાતૂન
ક્યારે ગોઠવો છો ?
કારની રેસ
સવારની બેચ
કમરે લટકતો ચાવીનો ઝૂડો ક્યાં ?
પાતળી પરમારની પગની પાનીએ
અડીને ઊભી અઢી ઈંચની એડી
એડી મારતા
હણહણી ઊઠે
ધણધણી ઊઠે
જાગી ઊઠે
સૂમસામ રસ્તો
વાગોળે આઈસ્ક્રીમ
પાછલા પહોરના ઠંડા પવનમાં
પગ લબડાવી
ફંગોળે અસ્તિત્વ
આરપાર વીંધે
કાંટાળી કેડી
ક્યાં લઈ જાય ?
વનેચરની વાટે જવાય ?
પીછે હઠ થઈ શકતી નથી
ખખડ્યાં કરે ખાંડાં
ખાંડાધારની વાતું
વતું કરાવતા સાંભળવાની મજા !
અસ્ત્રાની ધાર
ચામડાનો પટ્ટો
અશક્ય
શક્ય
જામ્યો જામ્યો છે
હાથમાં હેમરસ
પ્યાલી સાથે પ્યાલી ટકરાવી
પાનની પિચકારી
ગલોફામાં ડૂચો
ઘડિયાળમાં જૂઈ ચમેલી
રેશમગાંઠ ખૂલતાં ઢોળાઈ જાય
તબલાંની થાપમાં માપ નીકળે
ઘૂંઘટના રણકારે પકડાય જાય
હેરડાઈ લટ
કાન-બૂટે ચમકે
કીકીમાં ચોંટે
ફૂટી નીકળે ધણ
ખૂંદી નાખે નીંદર
જોતર તૂટે
કાદવમાં પૈડૂં
ધૂંસરી ભાંગે
આંગળીનો ખીલો
છાતીમાં ધરબાય
હોઠ ફુત્કારે ફીણ-ફીણ
ચિચિયારી
ટોળું
ધડબડાટી બોલે ગઢની રાંગે
પાટલાઘોની કમરમાં
ચાવીનો ઝૂમખો મળી આવે
કુંવારી કન્યાની કમરે
લચકતી કમર
ખણખણ મુદ્રા નેત્ર-કટાક્ષ
એક ઘા બે કટકા
શૌર્ય
    વટ
       પેટ
          ભેટ
             લંપટ
                કપટ
ત્રિભેટના કુંડાળે
બંધ બ્રહ્માંડ
કરી લે, લીલા લંપટની
ભરી લે, મુઠ્ઠી અધિરાઈની
ઠૂંઠામાંથી ચાવી લે
વિશ્વનું નિકોટિન
બોટલભાર પ્રોટીન
વિટામિનનું કરી લે અથાણું
ભરી લે બારમાસના ચોખા
ઝાટકી નાખ વધેલા વાળ
સમય છે તારે હાથ
પગ છે દોડવા
દોડ દોડ
ગઢના દરવાજા બંધ
બહાર ટોળું
તાજું જ ભર્યું છે
કોટની ખાઈમાં પાણી
બહાર ટોળું
તાજું જ ભર્યું છે
કોટની ખાઈમાં પાણી
ખીલાંવાળા દ્વાર
ઊંટ આડાં રાખી તોડી શકાતાં નથી
ડોકાબારીએ સખત જાપ્તો ગોઠવાયો
ખુલ્લી તલવાર
ઊંઘરેટા સૈનિકો
શિલ્પવત્

બહાર નહિ, અંદર જાગ્યો છે
જામ્યો છે
વિપ્લવ
દિશાઓ ધૂંધળી બનાવતો
લીલાં-સૂકાં બાળતો
છત છાપરાં ઉડાડતો
તાવીજ ફંગોળતો
ખોપરીઓ ઉડાડતો
હોહા હોહા પડકારતો
તાલબધ્ધ
ડોળા ફેરવતો
ભરડો લઈ વળે છે
આ વિપ્લવ.
*
ચ્યુઇંગમનો ફુગ્ગો થતો નથી
આરામથી મમળાવું
ચોકલેટી સ્વાદ.

૨ નવેમ્બર/ડિસેમ્બર ૧૯૯૩


0 comments


Leave comment