83 - મુક્ત હોવાની લઈ ભ્રમણા રહે છે ગેલમાં / ઉર્વીશ વસાવડા


મુક્ત હોવાની લઈ ભ્રમણા રહે છે ગેલમાં,
સૌ જીવે છે પોતપોતાની રચેલી જેલમાં.

એ ચીપે પાનાં, હુકમ પાડે ને બાજી પણ રમે,
મારું ક્યાં છે કાંઈ પણ આખા પ્રણયના ખેલમાં.

હો પરાધીન ને છતાંયે ઊર્ધ્વગામી એ રહે,
છે કશું શરણાગતિનું તત્વ એવું વેલમાં.

કાળ ઘટનાક્રમ ભલેને હોય વર્તુળમાં સતત,
આવનારી ક્ષણને કાજે આજને તું ઠેલમાં.

સૌ વિષમ સંજોગમાં પણ દીપ એ જલતો રહે,
છે કશુંક અદ્દભુત અગોચર વાટમાં કે તેલમાં.


0 comments


Leave comment