46 - કાવ્ય – ૨ / હરિશ્ચંદ્ર ભટ્ટ


શાને બોલાવો મને, રે ધ્વનિઓ !
શાને હૈયું આ હથોડે ધબેડો ?
અન્યોને છે પુત્ર –પત્નીની શાંતિ,
શાને બોલાવો મને, રે ધ્વનિઓ ?

વજ્રો જેવા નાદ સંતાપતા શેં ?
અન્યે ગેહે વિશ્વ આવી સમાયું
ચારે ભીંતે, નીડમાં શાંત વિશ્વ !
સંતાપ્રાગ્નિ ! ચાબુકો નિત્ય મ્હારે !
ભગવન્તા ઓ નાદના ક્રૂર દેવા,
શાને બોલાવો મને, રે ધ્વનિઓ ?

અન્યોનું જે વિશ્વનું ભવ્ય તાંડવ
શામ્યું નિદ્રા શાંતિમાં, ઓરડામાં –
થીજ્યો જાણે કલેશ, સંસારનો સૌ
વિશ્વોદ્વેગો સૌ શમ્યા શાંતિ ગેહે.
શાને બોલાવો મને, રે ધ્વનિઓ ?

મિથ્યા સંતાડું મને તુંથી દેવ,
ગેહે, કાર્યે, પુત્ર ને પત્ની વચ્ચે
શોધી કાઢ્યો તેં મને ગેહ માંહી;
પીછો લે તું, શેં ધ્વનિનાં તુફાને ?
શાને બોલાવો મને, રે ધ્વનિઓ ?

મારી શાંતિ દેવહૈયે કઠે છે,
શાને ઝંખે નાશ મારો નહિં તો?
માયાળુ ગોપાળ જે અન્યનો છે
તે શું મારી હાર કાજે પ્રવૃત ?
શાને બોલાવે મને, રે ધ્વનિઓ ?

જાઓ, થંભો ઓ ધ્વનિઓય, તારા
નિર્ઘોષોથી ચિત્ત આ શાંતિ પામો,
થોભો, બોલાવો મને ના, ધ્વનિઓ –

સંગીતોના જેમ સુરો ક્ષણાર્ધ
આવે, જાએ ને વિલાયે અનંતે –
તેવા શામો ઘોષ તારા ધ્વનિઓ !


0 comments


Leave comment