85 - વીતાવેલા વરસનો બોજ આજે પણ ઉપાડું છું / ઉર્વીશ વસાવડા


વીતાવેલા વરસનો બોજ આજે પણ ઉપાડું છું,
ઘડી છે રાતની છેલ્લી હું સ્મરણોને જગાડું છું.

શબદની સાધનામાં લ્હાય લાગી છે ભીતર એવી,
ધરી કરમાં કલમ પ્રત્યેક કાગળ દઝાડું છું.

હવે હાંફી શકું હું એટલી તાકાત પણ ક્યાં છે,
છતાં માયાવી મૃગ પાછળ હું ઇચ્છાઓ ભગાડું છું.

છે નક્કી હાર મારી ખેલમાં મુજને ખબર છે પણ,
ઊભો છું ધૃતસભામાં દાવ પર ખુદને લગાડું છું.

મને લોકો પૂછે પ્રશ્નો અગર ઈશ્વર વિષે કૈં પણ,
હું ખિસ્સામાંથી કાઢીને તરત દર્પણ બતાડું છું.


0 comments


Leave comment