86 - એક ચહેરાનો મને રહે છે સદા ભય / ઉર્વીશ વસાવડા


એક ચહેરાનો મને રહે છે સદા ભય,
હું અરીસાને પૂછું એનો પરિચય.

કોઈ અમથું ડાળ પરથી ફૂલ તોડી,
ખોરવી નાખે સકળ ઉદ્યાનનો લય.

હર જન્મદિન આવતો લઈને ખુશાલી,
સાથમાં લઈ જાય છે થોડાંક વિસ્મય.

નામ સંતાડી દીધું છે એ રીતે મેં,
લાગશે એને હવે ના કોઈ પ્રત્યય.

એ વિખરાશે કણેકણમાં ફૂટીને,
સાચવીશું ક્યાં સુધી આ પત્ર મૃણ્મય ?


0 comments


Leave comment