87 - આંખ તો માત્ર એક બહાનું છે / ઉર્વીશ વસાવડા
આંખ તો માત્ર એક બહાનું છે,
અશ્રુનું મૂળ શોધવાનું છે.
હું લખું કાવ્ય રણની રેતી પર,
ઝાંઝવું એણે દોરવાનું છે.
લ્યો સ્મરણનાં કમાડ ખોલ્યાં મેં,
આગમન એમનું થવાનું છે.
કોણ ચહેરાના વનમાં ભટકે છે,
એજ દર્પણને પૂછવાનું છે.
જે સ્થળેથી સફર શરૂ થઈતી,
આપણે ત્યાંજ પ્હોંચવાનું છે.
0 comments
Leave comment