64 - બધું ચણી ગયાં / ભાનુપ્રસાદ પંડ્યા


ઝટ ચલમ પી મેડા માથે ચઢું જહીં ખેતરે,
હળુ હળુ હલે આજુબાજુ બધે શીશ સાટે
સહુ કણસલાં, લીલાં-પીળાં હવે લઈ પાંદ આ
ઝૂલતી અલબેલી નારી ? ના, જુવાર લગોલગ !
સમીપ વળી શેઢેથી વ્હેતા સુગંધિલ બાવળ,
કલરવ ઊડે ટોળે ટોળે – અડોઅડ ઢોલક
બજી રહ્યું બીજે મેળે – ઘેને રહે ઢળી પોપચાં.
જરઠ મુજ હાથેથી ઢીલી થઈ ગઈ ગોફણ.

રહું નિરખી જાનૈયા વચ્ચે મને – ખડું વેલડું,
ઊછળી પડતા રંગે – ગીતે છલોછલ પાદર ?
ભભકી ઘરચોળાની ક્યાંથી અચાનક સોડમ ?
શિર ખૂંપથી શું શોભી ઊઠે – કળાયલ મોર હું ?
‘બધું ચણી ગયાં પંખી, ડોસા ! લિયો ઝટ ઘા દિયો !’
ઝબકી ઊઠું – ત્રાડે બાજુનો ચકોર રખોપિયો.


0 comments


Leave comment