66 - પદરવો (સૉનેટ નઝમ) / ભાનુપ્રસાદ પંડ્યા
જનારાનું ઝીણું ભીતર કાળી કહેતા પદરવો
લખે દે રોમાંચો અભિસરણ વ્હેતા પદરવો.
લતા શાખા જેવા બહુવિધ વળેલા પથ બધા
જહીં ગુંજી રહેતા ષટપદ સમાણા પદરવો.
ન આપે કૈં રસ્તા કૃપણ સમ મીંઢા થઈ પડ્યા,
છતાં છાપી મુદ્રા ઉલટભર દેતા પદરવો.
અબોલા લૈ સૂતી ધરતી ધૂળના આવરણમાં
મિજાજી મૌનોની ખબર લઈ લેતા પદરવો.
નહીં ઝંખો કર્ણો ! ધૂલિ ચરણની એ ગૂસપુસો,
ચઢે જો ચક્રોપે ચરણ – પછી શાના પદરવો ?
હવે ગામે ગામે દળકટક પૈડાં ફરી વળ્યાં,
અવાજોનાં ટોળે વિરલ ગૂંગળાતા પદરવો.
ખસો સૌ સુંવાળા પથ, ઘડીક યંત્રો પણ હટો,
દિયો શોધી લેવા અતીતઢબૂરાયા પદરવો !
0 comments
Leave comment