67 - ચરણને / ભાનુપ્રસાદ પંડ્યા
તમોને શું શોભે, ચરણ ! બની જાવું અનુચર
અહીં આ રસ્તાના ? અટન તમ આંકી દઈ શકે
વ્યવસ્થાના દોરી ? લખી દીધું તમે દાસખત આ
કહીં ક્યારે ? ક્યારે ગિરવી પગદંડી ધરી લીધી ?
કરો રસ્તાચીંધ્યું ગમન, કદી ભૂલાં પડી જવું
વળાંકે, લાજીને શરણ જઈ પૈડાં વિનવવાં !
પુરાવું સંકેલી ચલન, જવું જ્યાંત્યાં ખખડતાં !
પછી શી રસ્તાપે તમતણી કહો, છાપ જ પડે ?
કશું યાદા’વે છે ? તિમિર સમ ગાઢાં વન અને
ભલે હો સામે કો’ ગિરિવર થીજ્યા વાદળ સમો
તમે એ વીંધીને ધસમસી જતાં ? પાછળ ફૂટી
જતી કેડી ભોમે-ઝળળ ધૂમકેતુની દુમ – શી !
તમે ચાલ્યે રાખો પથની પકડી ચાળ – શી દશા ?!
તમારે ચાલ્યે હો પથ નવીન–એ આશ વિફલા ?
0 comments
Leave comment