68 - અતીવ વરવું ટીલું / ભાનુપ્રસાદ પંડ્યા
હરેક મૃદુ બોલમાં ટપકતી રહી મિષ્ટતા
વિશેષ મધુબિન્દુથી, ફરકી પક્ષ્મ આભાસી કૈં
અમી વરસવા મથી, ગરવી લાગતી ગોષ્ઠિમાં
ગુલાબી હતી ઝાંય જે નીરખી ના ગુલાબે કદી !
નિહાળી વધુ ઝૂકતી તરલ કાય તે વેતસી,
કરે નિકટતા સદા નકલ મારી છાયા તણી
સમીપ ઘૂમતી રહી, કરથી સ્કંધ સાહી ફરે !
થયો અજવ સ્પર્શ એ–સ્વપ્નલોકમાં હું સર્યો !
અને સરકતો ગયો તિમિરઅંધ પોલાણમાં –
કશે ? પરખું પાસ ત્યાં ઊંચકી ફેણ ફૂંફાડતો
ભુજંગ અવ દંશ દે ! ગરલફીણ ઉડાડતો !
તહીં વિવશને મને શરણ અર્પતી મૂર્છના !
સચેત બનું – જોઉં ત્યાં ધવલ મૈત્રીભાલે થતું
અતીવ વરવું ટીલું કુટિલ છદ્મ કેરું છતું !
0 comments
Leave comment