69 - દોસ્તીદમામ / ભાનુપ્રસાદ પંડ્યા


લેવા કશી ઘરની ચીજ ગયો, ત્વરાથી
ત્યાં હાટહાટ ભમતો કરયાદી જોતો,
ઝોળી હતી હળવી, ભારવતી થઈ તે
ધીમે પડે ડગ, શ્રમિત હું વ્યસ્તચિત્ત !
એકાકી યંત્ર સરખો, ભલી ભીડ માહીં
ઘૂમે સૂની નજર – ઓથ મળે ક્યહીંથી ?

‘કાં કેમ છો ?’ – શબ્દ કે ત્રણ ઓસબિન્દુ ?
મસ્તીભર્યા દ્રગ – સમીપ સર્યો સુબન્ધુ !
સ્કન્ધે પડ્યો તરત હસ્ત, બીજો ધસીને
સાહી રહે દ્રિતીયને – ગૂંથી સ્નેહગાંઠ.
વાતો થઈ ? નહીં ! વસંતની મંજરીથી
બ્હેકી બજાર છલકાઈ સુગંધવંતી !
છૂટા પડ્યા, પગ પ્રફુલ્લ ઘરે વળે છે,
દોસ્તીદમામ હજી યે કર આમળે છે !


0 comments


Leave comment