70 - રે ક્ષુદ્રતા ! / ભાનુપ્રસાદ પંડ્યા


ના જાતિ, વર્ણ તુજ કોઈ નહીં પ્રજાતિ,
રે ક્ષુદ્રતા ! ‘તૃણથી તુચ્છ’ – યદિ કહું તો
ના એ ય લાજિમ ! સીડી ખડી અલ્પતાની
જો હોય – તું પગથિયે પડી અંતિમે જૈ !
સાશંક તસ્કર સમી, શિશિરે ધ્રૂજંતા
કો પર્ણ શી, ભીતર શૈત્યથી દૈન્યના તું
કંપાયમાન ? ભડકો થઈ શું સ્મશાને
તું અસ્થિમાં સળગતી વરવા વિરાને ?

ને તોયે આ મુખવટો ધરી ભદ્રતાનો
ઔદાર્યનાં કૃતક વસ્ત્ર ચીનાંશુકી સૌ
પ્હેરી ફરે, સરપકાંચળી શા સુંવાળા –
સ્પર્શો પ્રસારી રહી ઘેનિલ આસપાસ !

તારો દીસે ભ્રમણમાર્ગ ન ક્યાંય સ્પષ્ટ,
આવે રખે નિકટ તે ક્ષણમાહીં નષ્ટ !


0 comments


Leave comment