48 - શોધવા નીકળ્યો હતો / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


હાથમાં લઈ એક તારો, શોધવા નીકળ્યો હતો.
હું ડૂબેલા અંધકારો, શોધવા નીકળ્યો હતો.

જે બધાના ઓરતાને આશરો આપી શકે
એટલી ઉમદા બજારો, શોધવા નીકળ્યો હતો.

સાંભળ્યું 'તું કે મજા કૈ ઓર છે એનીય પણ,
એટલે દુઃખના પ્રકારો, શોધવા નીકળ્યો હતો.

ત્યાં બધા વચ્ચે જીવાશે એમ ધારી ને જ તો,
આયનામાં હું ઉતારો શોધવા નીકળ્યો હતો.

જે મને મુજથી બચાવે, એક એવો એક બસ,
આદમી ખોટો કે સારો, શોધવા નીકળ્યો હતો.


0 comments


Leave comment