102 - ૩૦ નવેમ્બર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


    કચરો વાળતાંવાળતાં મોતીબહેને મારા હાથમાં એક કાગળ મૂક્યો. મારી કવિતા ? ના. ઉજાસ માટેની લાગણીઓ.
મારા સાથળે સળવળે સૂરજ
મારી છાતીએ હિલ્લોળે સૂરજ
મારી નાભિએ થરકે રે સૂરજ
મારા હોઠે ટહુકે રે સૂરજ
મારી પાનીએ ચગદાય સૂરજ
મારી સેંથે સોરાય સૂરજ
મારા ઘૂંટણે છોલાય સૂરજ
મારાં ટેરવે ત્રોફાય સૂરજ
મારી પાંપણે પલકે રે સૂરજ
મારી દેઈએ વટલાય સૂરજ
    શું આ મુરખતા જોખમી હતી ? મને જોખમનો ભય ન હતો. બહુ સ્પષ્ટપણે મારી લાગણીઓને હું સ્વીકારતી હતી, એનું મૂલ્ય ચૂકવવાની તૈયારી સાથે. નો ડિફેન્સીવ પ્લેઈંગ !

    એ ‘દુર્ઘટના’ બની ત્યારે અમે બંને જાણતાં હતાં કે અમે શા માટે મળી રહ્યાં છીએ. પહેલા વરસાદમાં મારે મન ભરીને ભીંજાવું હતું. શું વૃંદા સાથેના અનુભવે મારી અપેક્ષાઓને વધુ પડતી જગાડી દીધી ? શું હું મારા બાહ્ય દેખાવની વાસ્તવિક્તા ભૂલી ગઈ હતી ? શું એ મને માત્ર ભોગવવા જ માગતો હતો ?


0 comments


Leave comment