24 - इदम न मम् / વસંત જોષી


કાલાય સ્વાહા
ઈદમ કાલાય
ઈદમ ન મમ્
પ્રત્યેક આહુતિમાં
અનાવૃત આહુત
ઝીલે આહુતિ
કુંડની પાળીએ
કોડિયામાં ઝિલાતું
મારું નથી ; તે
કવચના કાચનું આવરણ
પામું તને
હે કાલ !

રાત્રિના અંધકારે
ફરફરતા ધ્વજની
શ્વાસ પુચ્છમાં
લપાઈને યુગયુગાન્તર
વિસ્તીર્ણ વળાંકે વળાંકે
આળસ મરડી
ટટ્ટાર કર્ણે
અતલ ઊંડાણથી
બ્રહ્માંડના અશ્વમેઘમાં આપતો આહુતિ
પળેપળનો સંગ્રહખોર સ્વાર્થી
દાંડીએ દગ્ધરી
ગણતો અંગુલિકાપ અગણિત અંકના
વિસ્તરિત જળાશયે
રતિક્રીડા શી
ખજૂર ખેરવે ક્ષુધામાં
સાગરપર તરી
ખારવણના ખોળે સુપ્ત
પૃથ્વીના પટે
સમય શ્રુંખલામાં
પ્રેમના પરોવે પાણીદાર પરવાળા
સ્વીકારમાં સ્વીકૃત
સંધાનનું ન વ્યવધાન
પુર્વેકાલીન ગર્ભાધાનમાં
તાતની મૂછનો દોરો,
તે પૂર્વે
આજનો ચાંદલિયો
મેઘાડંબરે ચોડી
સડસડાટ દોડતા
સર્પની ગતિ સંગ
પલક પલક પાંપણ પટપટાવતી
પટરાણીના દૃશ્યો વિખેરી નાખે
ધોધમાર દદૂડાતળે
હેલ્મેટ ફગાવી
સ્થિર ! સ્તબ્ધ ! મૂર્તિમંત
ટ્રાફિકસિગ્નલના ગ્રીન શેઈડમાં
પરસેવો પાડે
ફિલ્મનાં પોસ્ટરમાં
ચૂપચાપ બેઠો
પાન સોપારી ચાવે
મારા જન્મ પૂર્વે
ભોટ ભોળી ભરચક
આંખમાં દૃશ્યમાન
લુખ્ખું હાસ્ય
વિસ્ફોટમાં ગોટમોટ થઈ
આકાશ ચીરતો
વ્રણમાં ખદબદતો
સભાનાવસ્થે
નિર્વાણની અસાવધ ક્ષણે
મારી આસપાસ વસુધા વંટોળી
મુઠ્ઠીમાંથી સરી જતો તું
પકડાયો નથી
પકડાતો નથી
બંધાતો નથી
ઘટનાક્રમનું ચિત્રપટ
જ્ઞાનનું વમન
સ્થળ-ઘટના-ઈતિહાસ કથું
અવતરણો થોકબંધ વદુ
કહેણી-કથા-કથન કથ્ય
દોરું મોર પોપટ મેના
મંદ મંથર શાંતના
ધરાતલ સ્થાને
આદું ખાઈ આડો પડી
દીપ જ્યોતે તગતગતો
દંડમાત્રની સજાપાત્ર
ક્યારે સરકી જાય છે
મારા આલિંગનમાંથી ?
કોણ સેરવી લે તને ?
ક્યાં દોડી જાય વહેતા વાયુ સંગ ?
ચૂપકીદીથી ક્યાં છુપાય છે નરસંગ ?
પાંખથી વિસ્તરિત અફાટ
કાયાનું કામણ
ટૂમણ ટુચકામાં રેલાય
દીવાલે લટકતા દર્પણમાં દૃશ્યમાન
મારા જ રૂપે રંગે ગુણવાન
બત્રીસલક્ષણો
પાણી પેટાવે વાવના તળિયે
તેજીને ટકોરો
રણ દરિયા વળોટી
વા વા વંટોળિયા માફક
બેસી જાય બોસના ટેબલ પર
પાણીના ઘૂંટ ઘૂંટમાં
ઘટક ઘટક પી જાય
ચર્ચિત સઘળી વાત
શયનકક્ષીવાસ
ચોતરફ પ્રસરાવી
ફ્રેમમાં અકબંધ નિદ્રાધીન
કારેલાંની કડવાશ કળી ગયેલો
યથાતથ જાળવે લટકાં કરતી રાત
સુગંધિત રહસ્યગર્ભમાં
કાળકામિનીને સંભોગે સહસ્ત્ર ન્હોર વડે
ગમતીલા ગામને ગોંદરે
ગાડું આવે
પાડું આવે
નાનકો નમણો
આખું કોળું વઘારતો
સીમના શેઢે
માટલાનું માથું કરી ફફડાવે, ડરાવે
કિચુડ કિચુડ અવાજે
ઘંટડી વગાડતો
પાછલા પ્હોરે છેડે પ્રભાતી
કાળી ડિબાંગ સડક પર
ડમ્મર કાળા
પૂરપાટ દોડે આસ્ફાલ્ટી જંગલે
બહુમાળી બિલ્ડીંગની
આગાશીએ સ્વીમીંગમગ્ન
છલાંગ મારી ચીપકી જાય
સ્પાઈડરમેન !
ગૂંચવાડા રચી
આરામથી ઊંઘે કેન્દ્રબિન્દુના બેડ પર
બારીના પડદા હલાવતો
ઈશારા કરે મધ્યરાત્રિના ચંદ્રને
ચૂપચાપ ચકલીની ચાંચમાં હાંફે
પાંખ પીંછાંની હૂંફમાં
સંકોરે અજન્માને
સૂર્યગ્રહણ કરાવી
દર્ભપાણીએ સૌને નવરાવે
ગાયની જીભનો ઓખાર
પૂંછે પહોંચતા
દેવની પૂજા !
લીંપણ પાવક
શીંગડે મેઘબાંધી
ધારમાંથી ટપકતા
ઉગેલા ઘાસને ચર્યા કરે મૃગ બની

આજ અથવા કાલ
સમયના પ્રલંબ પટે
તરવરાટ ભર્યા હાથમાં
નિયમરહિતા નવ્ય સૃષ્ટિ ઉત્પન્ન કરી
તું પાળે
તું પોષે
ઊંઘરેટા હાથમાં
તોપના ગોળા
રડારનાં વર્તુળ
પૂરવઠાની કતાર
A K 56 ના બોનેટ
કોને કેદ કરે કાળગિલના કળણમાં ?
મંકોડાની
ઓરેન્જ બટકણી પાંખમાં
વરસાદી બૂંદ બૂંદ
ઊભરાય દરમાં
ખળખળ વહે
ખળભળ મચે
નગરમાં વાગે નગારું
જુલાઈ ગયો
નોસ્ત્રેદામની આગાહી
વિઘટનકારી ડોકિયાં કરી
લડાવે
હસાવે
બધિર અવાક્
અણુ પરમાણુ
બિમ્બ પ્રતિબિમ્બ
ભાસ આભાસ
પામતો સુહાસ
પ્રાપ્ત પરિતોષ
ગંજ ખડકે મૃત્યુકણનો
સો મણની તળાઈમાં
ચ્યુઇંગમનો ફુગ્ગો ફુલાવી
માથું ખંજવાળતો
વલૂરે સરહદના સીમાડા
કઈ ક્ષણે વધ્યો તારો વ્યાપ ?
કોફીહાઉસમાં સ્તબ્ધ
ઈતિસિદ્ધમ્ !
ઊભો રહે બંધ ફાટક વચ્ચે
ધસમસતી ટ્રેનના છેલ્લા ડબામાં
પ્રયાસમ પેટાવી
ઉકાળે અઢળક ઊંઘ
પોતાની જ રાખમાંથી
ફરી ઊભા થઈ
ઓહિયા કરી જાય
તું જ કહેતો
ઈદમ ન મમ્
શું વાગોળે ?
ઓળવી જાય કોને ?
દ્યુત કવચ અંગેઅંગ ચોળી
રક્ષે છે કોને ?
ભક્ષે છે કોને ?
ઈદમ ન મમ્
છતાંય તારું
છવાયું બધે રૂપ
ગોખલાથી ગરીયો
ટાઈથી ટપાલ
ગંજીથી ગંજીફો
બસથી બાવલું
પાણીથી પવાલું
નળથી નદી
કળથી સદી
ઘટક ઘટક
પીધાં જ કરે
આદિમ અવનિને
ઘટક ઘટક
ઈદમ ન મમ્
ઘટક ઘટક
ઘટક....

ફેબ્રુઆરી ૨૦૦૦


0 comments


Leave comment