25 - કોઠો / વસંત જોષી


અભેદ્ય કિલ્લાને
પલકમાં પાતાળે
ઘાવ પછી ઘાવ
આ છાતી વજ્ર સમાન
પાષાણની ઢાલ
હાથમાં માછલીનો સળવળાટ નથી
કોને કહો છો માયા ?
છળકપટની છત્રછાયા
પથ્થર સમાન કાયા
સરાણે સજેલી તલવાર
ફેરવું આમતેમ
સાતમો જીતી લેવો છે
સ્હેજ દૂરથી
પ્રિયાના ગાલ પર ફૂલ ફેંકીને
ઈપ્સા ફંગોળી આભ લગી
ઉત્તરાની દિશા પડઘાય સતત
કુંતાનું કૌવત
જિતાડશે સાતમો ?
ભોરિંગ કોતરી જાય મૃત્યુના તંતુને
વીંટળાશે વરમાળા ઝગમગ નેત્રે
આવકારશે ઉત્તરા
ઢોલ મૃદંગ હસ્તિનાપુરમાં
હોંકારો આપ્યો’તો
આ વિજય મારો નથી
જીતીશ મૃત્યુનો સાતમો
અભેદ્ય કિલ્લો.

૬ માર્ચ ૧૯૯૬


0 comments


Leave comment