26 - તણખો / વસંત જોષી


પ્રગટાવ્યો તે પહેલાં સળગતો હતો
નાભિમાં ઊંડે ઊંડે
તણખો
તિરાડ પડવાની ક્ષણે ભાગી છૂટે
વણગળાયેલી ઈચ્છા
ખડકલો કરી તરતાં પાણીમાં વહેતી મૂકે
એક એક ઘટના
વિધિવત્ હાથમાં અંજલિ ભરી
તર્પણ કરતાં છટકી જાય
સરકી જાય જાળવી રાખેલું કથિત
નખ વધેરું ?
વધેરું નાળિયેર !
ડર !
કથા લખાય પાળિયે
વળ ચડાવી છુટ્ટે ગાંઠ
ગાંઠનું તો એવું છુટ્ટે તો છુટ્ટે
અણઘડ હાથ તૂટે
કરે કાનમાં લયહિલ્લોળ
સેલ્લારે હડસેલાય તરતાં પાણીમાં
તર્પણ
ઘટના
નખ
નિર્વાણ
છટકે કથાભર્યું આકાશ
ઘૂઘવે સાગર
તળિયે અથડાય વહાણના સઢ
સઢ વિનાનાં વહાણ ઝંખે
તિરાડ પડવાની ક્ષણે
સળવળે નાભિમાં
ઊંડે
      ઊંડે
તણખો.

૧૧ જાન્યુઆરી ૧૯૯૧


0 comments


Leave comment