27 - મુક્તિ / વસંત જોષી
આંગળીના અંકોડા ભીડવ્યા પછીની વાત
સાવ એમ જ વહી નથી જતી
પથ્થરોમાં ખખડતું પાણી
સાવ એમ જ વહેતું નથી
સાવ અમસ્તા ખખડતા નથી સિક્કા
ઘડિયાળના કાંટા
ધમ-ધમ ટોળું
ભીડ બનેલું તીડ
ધરબેલો ખીલો
હણહણતો અશ્વ
તીરછી નજર
સીલબંધ ડટ્ટો
ટપકાવો ટીપે ટીપે
મૌનનો સાગર
વહાવો I/V માં
સંમતિનો સૂર
અડધી અડધી કલાકે જીભ પર રાખો
ખારો તૂરો સ્વાદ
ક્યાંકથી ટપકી શકે
વાગી શકે
ખાઈ શકે
ઓ પંચમહાભૂત !
પંચેન્દ્રિયભોક્તા !
કેમ પી શકતા નથી ખદબદતો લાવા
હસ્તકલા પારંગત રે શ્રેષ્ઠી !
હાથનેય હોય છે
હાથ હોવાનો અભરખો
સલાઈન ટ્યૂબમાંથી ટપકતો
દબાવો
દબાવો મને
અવરોધો નહિ
તેજ કરો ટપકતાં ટીપાં
ઝબકી જવાય તે પહેલાં
છોડો મને મારામાંથી
I/V મળતી નથી
સિરિંઝનો ફૂવારો
ઢોળાય છે મારામાં
મને મુક્ત કરો
ટ્યૂબથી
અંકોડાથી
પાણીથી
સળગાવો મારી ભીતર
રૂંવાડાં સમેત
પેટાવો અંદર ગ્લુકોઝનો અગ્નિ
ઝબકોળો મેટ્રાઝિલમાં
છોડાવો
છોડાવો મને મારામાંથી.
૨૬ જૂન ૧૯૯૪
0 comments
Leave comment