45 - કાવ્ય – ૧ / હરિશ્ચંદ્ર ભટ્ટ


નિદ્રાની હેતાળ શાંતિ મહીં સૌ
માતા જેવી વ્હાલસોઈ દિવાલો,આપ્તો જેવી ગેહની શાંતિમાંયે
ન્હોતો ધીમો ઉંદરોનો અવાજ.

ગીતોર્મિનાં મંદ પ્રસ્પંદ જેવી
ધીમે ધીમે શી ગૃહિણી શ્વસે છે !
શ્રદ્ધાળુ, અશ્રાન્ત ઓષ્ટોની ધીમે
પ્રાર્થે છે આ એક ઘડિયાળ માત્ર.

હૂંફાળો શો નાનડો કો બિડાલ
સૂતો હોયે, એમ આંહીં અચેષ્ટ,
જાણે નાં કૈં, સાંભળે ના કંઈએ,
એવો સૂતો પારણે હૃષ્ટ બાળ.

આકાશે છે તારકો, બારી બ્હાર
શાંત સ્વપ્નોમાં ડૂબ્યો છે તુષાર;
મૂંગાં, ને નિર્જીવ શાં ગેહ ઊભાં
સૂના એકાન્તોની આ શાંતિ માંહી.

ત્રાસેલો શો યાન્ન જાગે સફાળો,
ઘોષે ગર્જે ક્રુદ્ધ ઘંટા ધ્વનિઓ !
આંખો બીડે, કાન ઢાંકી દીએ છે,
- ગર્જે ઘોષે, જોરેશોરે ધ્વનિઓ.

આકાશેયે નાદ તોફાન ગર્જે,
આમંત્રે શું ઘોર કો મ્હેફીલે એ,
ઝંઝાનાદોના હજારો અવાજ
ગીતો ગાઈ યાચતા માગણો શા !

નિર્ઘોષોના ચાબુકોના ઝપાટે
ત્રાસેલો શો લોહિયાળો, વિષણ્ણ, -
ઘેને જાણે ડોલતો યાન્ન ગેહે;
જેને હૈયે સંભળાયો અવાજ !


0 comments


Leave comment