88 - કાળની સમજણ વિનાનાં આપણે / ઉર્વીશ વસાવડા
કાળની સમજણ વિનાનાં આપણે,
કેસૂડાં ફાગણ વિનાનાં આપણે.
ધ્યાન મહેફિલમાં પડે ના કોઈનું,
તંબૂરા રણઝણ વિનાનાં આપણે.
સ્હેજ હર્ષોલ્લાસ ના નજરે ચડે,
અવસરો તોરણ વિનાનાં આપણે.
સાવ ઠાલાં શસ્ત્ર લઈ ઊભાં હવે,
કોઈ સમરાંગણ વિનાનાં આપણે.
આ સમયતટ પર તૂટેલી છીપ શા,
કોઈ પણ કારણ વિનાનાં આપણે.
0 comments
Leave comment