89 - સ્પર્શનો સિદ્ધાંત સમજાવો મને / ઉર્વીશ વસાવડા
સ્પર્શનો સિદ્ધાંત સમજાવો મને,
પ્રેમનું વૃતાંત્ત સમજાવો મને.
પત્ર લખીને ને પછી ઉત્તર મળે,
કૈંક એ ઉપરાંત સમજાવો મને.
કો શિશુના હાસ્યથી બીજું કશું,
હોય શું વેદાંત સમજાવો મને.
યાદમાં એની ભૂલી જાતો બધું,
ભીડનું એકાંત સમજાવો મને.
શબ્દની મૂડી લૂંટાવું ને છતાં,
કાં રહે પુરાંત સમજાવો મને.
0 comments
Leave comment