90 - ખુંદ નહીં નિષ્ઠુર થઈને આ એ માટી છે / ઉર્વીશ વસાવડા


ખુંદ નહીં નિષ્ઠુર થઈને આ એ માટી છે,
તારા ગત જન્મોની લાશો જ્યાં દાટી છે.

ઢાઈ શબ્દ લાખાશે ક્યાંથી એની અંદર,
બાવન અક્ષરથી ભરચક તારી પાટી છે.

ભોજન કીધું તો એંઠા વાસણ માંજી લે,
ચાકર તું, તું શેઠ અને તું ઘરઘાટી છે.

કોઈ પૂછે તો રહેવા દેજે વ્યર્થ ખુલાસા,
ખૂબ રઝોટી છે એથી ચાદર ફાટી છે.

રંગ અગર ઊઘડે તો એને કૃપા માનજે,
તેં ક્યાં તારા યત્ન થકી મ્હેંદી વાટી છે ?


0 comments


Leave comment