91 - હિમગીરીનો સાદ આવ્યો છે જવું છે / ઉર્વીશ વસાવડા
હિમગીરીનો સાદ આવ્યો છે જવું છે,
ભીતરે ઉન્માદ આવ્યો છે જવું છે.
વૃક્ષની ડાળ ઉપરથી એક ટહુકો,
કૈંક વર્ષો બાદ આવ્યો છે જવું છે.
હું સતત સળગ્યા કરું છું ઘર વિષે,
બારણે વરસાદ આવ્યો છે જવું છે.
લ્યો હવે આરંભ નર્તનનો કર્યો,
એક ડમરૂનાદ આવ્યો છે જવું છે.
થઈ જશે નાટક પૂરું પળમાં હવે,
આખરી સ્વાદ આવ્યો છે જવું છે.
(મનાલી જતાં પહેલાં લખાયેલી ગઝલ)
0 comments
Leave comment