93 - જંગ ચાલે છે અનાદિ કાળથી / ઉર્વીશ વસાવડા
જંગ ચાલે છે અનાદિ કાળથી,
છૂટવા પંખી મથે છે જાળથી.
ત્યાંજ એ સંઘર્ષ થઈ જાતો શરૂ,
જ્યાં શિશુ જુદું પડે છે નાળથી.
વૃક્ષ થાવાની લઈને ઝંખના,
વૃક્ષફળ છૂટું પડે છે ડાળથી.
એક મડદું સ્કંધ પર સૌના અહીં,
ને મથામણ રોજની વૈતાળથી.
શોધ છે એ વ્હેણની સૌને સતત,
નીકળે જે સાતમા પાતાળથી.
(શાશ્વત યુદ્ધની ગઝલ)
0 comments
Leave comment