54 - કાવ્ય – ૧૦ / હરિશ્ચંદ્ર ભટ્ટ


બે માસ શાંતિ મહીં એમ વીત્યા
આકાશથી ના સ્ત્રવતું તુષાર;
નેવે થીજ્યાં. તેમ જ બારીએ વળી
રચાયલાં અદ્દભુત પુષ્પ ઓગળે.

રસ્તા બધા કાદવથી ભરેલા,
ગ્લાનિ ભરી, આરઝૂ જેમ હૈયે.
ઝાંખા દિનો, ને ગગનાભ્રમાંયે
ધુમ્રો તણી મીલની શ્યામધૂલી.

ધુમાડિયુ શ્હેર અને બધી દિશે
ક્હોવટ શી વર્ષતી શાંતિ ત્યાં હતી –
રસ્તે સુને એકલ વાયુ આવે
બોખા બુઢ્ઢા હોઠની ખાંસી જેવો.

ત્યાં બારીએ યાન્ન દુઃખે વિચારે;
આવી બની મારીય જીંદગાની.
ડહોળાં પડે આભથી રોજ પાણી,
શાન્તિય આ કાદવની જ વર્ષા.

તુષાર પુષ્પો સમ ઓગળ્યાં સુખો
જે બારીના કાચ પરે રચાયલાં –
હૈયા, મને કામ હવે, ન તારું,
હૈયા, ડૂબ્યું તું અવ કર્દમે શું !


0 comments


Leave comment