105 - ૭ ડિસેમ્બર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


   આજે સલિલ અને રુચિ હનીમૂન કરવા ચોરવાડ, હોલી ડે હોમ ગયાં. ગઈ કાલે સાંજે આવ્યાં’તાં. થયું કે કંઈક પૂછશે તો ? રિસર્ચ વિશે... વૃંદા વિશે... ઉજાસ વિશે.... પણ એમને ક્યાં નવરાશ હતી એમની વાતો આડે ?

   આમ તો કશું જ બદલાયું ન હતું, છતાંય.... એકદમ બદલાયેલાં, નવાંનકોર... જાણે ગુપ્ત ખજાનો હાથ આવ્યો હોય એમ સતત મરકતા હોઠ અને આંખોમાં ચમકતું આ શોધનું સહિયારું સુખ.... એકદમ મને મારા ખાલીખમ હાથ દેખાયા... ચોમાસું વીત્યાં છતાં ખાલી રહેલી નદીના કાંઠા જેવા....

   આજે સવારે સલિલ-રુચિને, રૂમમાં ચ્હા આપવા ગઈ ત્યારે પલંગમાં બેઠેલો સલિલ સામેના અરીસામાં લિપ્સ્ટીક લગાડતી રુચિને જોતો હતો. મને જોઇને એણે એકદમ છાપું વાંચવા માંડ્યું. પરંતુ રુચિના ચહેરા પર અધૂરો રહેલો સંવાદ ફરફરતો હતો. મને જોઇને બંને કેમ સંકોચાઈ ગયાં ? કંઈક નાટકીય રીતે નોર્મલ થવાની કોશિશ કેમ ? કે પછી મારી આંખોમાંની તરસ છલકાઈ આવી ?

   શું હું પરસ્પરને ચાહતા મિત્રોને જોવાનું સુખ પણ ખોઈ બેઠી ?


0 comments


Leave comment