73 - ભાગી સુનેરી... / ભાનુપ્રસાદ પંડ્યા


ઉદ્યાનના સરજલે કરી સદ્ય સ્નાન,
પુષ્પો થકી જરીક મૂઠી મહીં ભરીને
તાજી સુગંધ, ખગ-શાવકના ચીંકાર
વીણી લઈ લહરી રોમદુવાર આવી !
જાગી ઊઠું – નીરખું ધુમ્મસમાં વળાંકો
રાત્રી તણી કટિતણા દૂર રમ્ય ઝાંખા.
નિદ્રા વિલીન અવ એક ભરી બગાસું.
બારી કૂદી ધસતી આવી ગૃહે સવાર !

ત્યાં તો ‘ફટાક’ કરતું હળવી શિલા – શું
છાપું પડ્યું ! – નજરને ચમકાવી દેતું.
દોડું – ગ્રહું, નયન ‘કોલમ’ની ગલીમાં
બંદી થયાં ! ધડકતું ઉર ભાવતાલે !
છાપેવીંટ્યા પ્રહર સર્વ થતા પસાર,
ભાગી સુનેરી અસબાબ લઈ સવાર !


0 comments


Leave comment