74 - શુભ એ સવારો ? / ભાનુપ્રસાદ પંડ્યા
સંદીપ્ત અર્ક અવ અસ્ત થયો પ્રદેશે ?
ચોપાસ ઘોર તિમિરાવૃત યામિની શાં
લિપ્સાતણાં ઊભરતાં પૂર ? કામનાનાં
ઊડે અસંખ્ય તણખા ! વકર્યો ભુજંગ
ફૂંફાડતો કુટિલ દર્પણતણો મદાંધ !
અંધારભેરુ ઉલુકો તણી સૌ જમાત
આવી બખોલ થકી બ્હાર ધસી વનોમાં
ઠોલી રહે ઋજુલ નિદ્રિત નીડપંખી.
કંપી રહું ! પણ થતું થીજવી રહેતી
શીળી શિશિર પછી ઉષ્મિત ગીત-હાસ
લાવે વસંત, વળી કોઈ વિરાન પંથે
આવે ફરી હરિત છાંય કદા તરુની.
નીચેથી જાય ઉપરે ફરી ચક્ર આરો,
ઊગે શું ના મલકમાં શુભ એ સવારો ?
0 comments
Leave comment