75 - હવે મૃદુલ / ભાનુપ્રસાદ પંડ્યા


વ્યતીત સદીઓ તણા હૃદયની થીજી યાદને
મુખે ધરબી ચૂપ એ ? દીસતી કોઈ કરકાબરા
મહા અજગરે તજી જિરણ અંગથી કાંચળી
સમી, મ્યુઝિયમે અહીં નીરખું તોપ તોતિંગ આ !

વછૂટી વકરી હશે મુઘલની જ્યેચ્છા થઈ
ઘણું ગરજતી હશે ધ્રૂજવી ઘોર પાણીપત !
ગલી અગણ માછલાં મકરી કો પડી રેતમાં
રહે અચલ, તેમ આ સમયને કિનારે પડી !

લહું અજબ ખેલ હ્યાં : નજરમાં ભરી વિસ્મય
અડે શિશુક એહને ! ઊડતી એક ચલ્લી ધસી
ઊપાડી તૃણ ચાંચમાં મૂકતી નાળચે લોહના !
જતાં સમય ત્યાં હશે કુમળું ચીચતું શૈશવ ?

ધસેલ જ્યહીંથી હતી ધધકતી ધૂંવાધાર ત્યાં
રહ્યા સળવળી હવે મૃદુલ કૈંક રોમાંચ શા !


0 comments


Leave comment