77 - પાળિયાનું દોહરા સૉનેટ / ભાનુપ્રસાદ પંડ્યા


પાદર ટીંબા ટેકરા, કહીં પાસે કહીં દૂર,
વાતું કરતા વીરની સળગે રંગ સિંદૂર.
નહીં કાષ્ઠે નહીં ધાતુએ નહીં પાષાણે સ્થિર,
કાળતણી છાતી પરે લખિયલ લેખ લકીર.

શિર પડ્યાં ને ધડ લડ્યાં જેહ ઝઝૂમ્યા જંગ,
અતીત એનો આળખ્યો અહીં રતૂમડે રંગ.
ગામ, પ્રાન્ત કે દેશને ભઈ અચાનક ભીર,
અર્પ્યાં જેણે આયખાં ઈ પોઢ્યા થઈ પીર –

એડી માર્યે ઉપાડે ધિંગાણાં મોઝાર,
અસવારે અહીં ઓપતા તેજીલા તોખાર.
શીલ સાચવજો પ્રાણથી શૌર્ય-ટેક સંગાથ,
ઊંચા થૈ થઈને કહે હજી સતીના હાથ.

ધીરે ડગ પાસે જજો અર્પો ફૂલ સિંદૂર,
નમજો પૂરા નેહથી આ આલમનાં નૂર !


0 comments


Leave comment