78 - સરહદો (ગઝલ સૉનેટ) / ભાનુપ્રસાદ પંડ્યા


અહીં તો ચોપાસે પ્રતિ ડગ ચણાઈ સરહદો,
ક્યહીં કાળી-પીળી સખત ક્યહીં ગોરી સરહદો !
હતી શેઢા જેવી હદ જનપદે પુષ્પલચતી,
ઘડી લોહે શ્હેરે ધરખમ રૂપાળી સરહદો.

વિશાળું પૃથ્વીનું ઋજુ ઉર હવે ખંડિત થયું,
રચી થોથે મંત્રે હરદમ નશાની સરહદો.
ચહું તોયે ના કૈં પ્રિય ! ઊચરું તારા પ્રતિ કશું,
મને રોકે વાણીરચિત નરી શાણી સરહદો !

રહ્યાં કંપી પંખી પશું-કુસુમની સૌમ્ય સુરભિ,
રખે લેશે બાંધી બરછટ બિલોરી સરહદો.
અમે સીંચી રાતા શરીર રસથી, કૈં ઊલટથી;
છતાં વેલી થૈ ના પમરતી કરાલી સરહદો !

મને આપો મારી કુદરત બધી બે-હદ ફરી,
લિયો ખેંચી કોઈ સરપજીભી ઝેરી સરહદો !


0 comments


Leave comment