79 - ટીંબો / ભાનુપ્રસાદ પંડ્યા
ઢળ્યો આડો વ્હેતા સમીરની થઈ ઠેસ, ભૂખર
કવેળાનું વીંટી જીરણ વરવું વસ્ત્ર, વગડે
અકાળે પોઢેલાં કંઈક સુખની લાંબી કબર
સમો ટીંબો. રોડાં કરચ નળિયાં-હાંડલી તણી
વિખેરાયાં વાંછા ત્રૂટિત સરખાં. ને અધપડી
ખડી દેરી – સંજ્ઞા અતીતરચી પ્રશ્નાર્થની વડી !
‘દટાયું’તું આખું અમ જૂનું અહીં ગામ’ – ઘરડાં
કહેતાં. ત્યાં બેસી નીરખું બધું ને સાંજ ઢળતી.
શિલાઓ આઘેરી વળતી લહું ટોળે- ધણ ધસી
રહ્યું ? વાંસે નાનાં તરુય દ્રય-ગોવાળ ઝૂમતા !
ઝબૂક્યા તારા બે ચકમકની શું કાંકરી ઝગી ?
ગડાકુંની ગંધે મઘમઘી રહ્યાં સીમ-વગડો.
સુણાતી શેડ્યોયે પયની, અવ લ્યો ઝાલર બજી !
ગલી ગૂંજી, - ગોતું મુજ ઘર જડે ના ક્યમ હજી ?
0 comments
Leave comment