106 - ૧૮ ડિસેમ્બર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


   પૂરા છ મહિના થઈ ગયા, પરંતુ આજે ય એ દૃશ્ય સહેજ પણ ધૂંધળું થયું નથી –
   - બરાબર બપોરે એક ને દસે મેં એના બારણે ટકોરા મારેલા. એ ખુલ્લું જ હતું. હડસેલીને અંદર આવી. ઉજાસ સામે પલંગ પર સૂતો હતો. મરૂન શર્ટ અને સફેદ ભોંય પર બ્લેક ચેક્સવાળી લુંગી.... સહેજ ડોક ઊંચી કરીને એણે મને જોઈ. આવકારવાની કદાચ એને જરૂર નહીં લાગી હોય ! આંખથી એણે દરવાજો બંધ કરવા ઈશારો કર્યો, બંધ કરીને સામે સોફા પર બેઠી.
  ‘કિતને બજે ?’
  ‘એક ને દસ.’
  ‘કૌન સી ઘડી હૈ ?’ કહેતાં એણે હાથ લંબાવ્યો. જવાબમાં મારો હાથ ઊંચકાતાં, એક ઝટકે જ એણે મને પોતાની ઉપર ખેંચી લીધી. હું કાંઈ કહું એ પહેલાં એણે મારી સાડી ખેંચવા માંડી. હું એને સહેજ થોભવાનું કહેતી રહી. પરંતુ જાણે એને બીજું કશું જ દેખાતું ન હતું, સંભળાતું ન હતું. મેં એની પકડમાંથી અલગ થવાની કોશિશ કરી તો એ અકરાંતિયો થઈ બમણા આવેગથી તૂટી પડ્યો. એની આંખોનાં ઝનૂને મારી બધી આર્દ્રતા ચૂસી લીધી. હું હેબતાઈ ગઈ.... કોકડું વળી ગઈ... મારા અર્ધનગ્ન શરીર પર એક સ્થૂળ, અવાવરું દેહ ઝળુંબી રહ્યો હતો. હું ટકવા માટે હવાતિયાં મારતી હતી ને એ મારામાં ધગધગતું સીસું રેડી રહ્યો.... અંદર ચીરા પડતા હોય એમ મારું ગળું સુકાતું હતું... આખો રૂમ પડઘાતો રહ્યો એના છીંકોટાથી... મારી નજર સામે આ સમય બળાત્કારના અંધારમાં પલટાતો જતો હતો ને હું એનામાં મારા ઉજાસ શોધતી રહી....
   આજે વિચારવા બેસું તો કદાચ લાગે કે એ લાંબા સમયથી ભૂખ્યો હતો, એટલે પણ જાતને સંભાળી શક્યો ન હોય. એમ પણ હોય કે એ આ કાબરચીતરા શરીરને સહી શક્યો ન હોય ! હું તો વૃંદાની આંખે જ જાતને જોતી રહી, પરંતુ હકીકત તો....

   પરંતુ જે રીતે એને મને છોડી, જાણે અવકાશમાં આથડતો કોઈ પતંગ ! અને જ્યારે તિવારીજી આવ્યા ત્યારે જે રીતે એણે મને મારા ચંપલ સાથે બાથરૂમમાં સંતાવા ધકેલી ! શું એ મને એક મિત્ર તરીકે ય હિમ્મતથી સ્વીકારી શકતો નહોતો ?
 
   ના, કશું જ સુંદર નહીં... રોમાંચક નહીં.... ક્યાંય સદભાવ નહીં... સૌહાર્દ નહીં... આશ્વસ્તિ નહીં નહીં... નહી.... નહિ....


0 comments


Leave comment