7 - પ્રકરણ - ૭ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


      છેવટે મહેશભાઈ છૂટા પડ્યા. જતાં જતાં એમણે યાદ દેવડાવ્યું : ‘ગેસ કંપનીમાં ફોન કરી દેજે... નીરા યે ઘરમાં નથી એટલે તને ગેસ વગર બહુ મુશ્કેલી પડશે, શું સમજ્યો ? નીરા બેત્રણ દિવસમાં પાછી આવી જશે ને ? ગેસ... નીરા.... મહાશિવરાત્રિ....’ નીલકંઠથી હાથની મુઠીઓ વળાઈ ગઈ. તેને લાગ્યું કે, મહેશભાઈની ઊપડતી – મુકાતી ચંપલનો ધ્વનિ લાંબા સમય સુધી તેનો પીછો પકડતો રહ્યો હતો અને ધ્વનિ શબ્દોમાં આકારિત થયો હતો : ‘હેં નીલકંઠ !... આજે તારી શી ધારણા છે... પાંચ કે છ ? અને હરિયાણા લોટરીનો નંબર યાદ છે ને બી ૦૦૭૫૪૩૨૧ ?.... આ વખતે તો નાનાને નામે લોટરી ખરીદી છે... એનું નામ પિનાકિન છે. કહે છે કે કન્યારાશિનાં ગ્રહો હમણાં ખૂબ સારાં છે...’ ‘સા’બ પોલિશ ?’ એક તીણા અવાજે નીલકંઠને થોભાવ્યો. યંત્રની જેમ તેણે સાંકડા પેન્ટમાં આવરાયેલો પગ ઊંચકી અણીદાર બૂટ ડબ્બા પર ગોઠવ્યો. પોલિશ પૂરું થયું ત્યાં સુધીમાં તેણે એક સિગારેટ પી લીધી, પણ કાંઈ મજા ન આવી; ઊલટું મોઢામાં તમાકુની કરચો ગઈ. બૂટ પોલિશવાળા છોકરાને પૈસા આપી તે આગળ વધ્યો. ફરીથી તેનાથી અટકી જવાયું. તે ચિરપરિચિત ઈરાની રેસ્ટોરાં પાસે ઊભો હતો. રોજની ટેવ પ્રમાણે તે તેના પગથિયાં ચડી નિયત ટેબલ પર જઈ બેઠો.


0 comments


Leave comment