51 - જીવ્યા હતા / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


એય છૂટી જાય ના એ બીકમાં જીવ્યા હતા,
એક મૂઠ્ઠી જેટલી ઉમ્મીદમાં જીવ્યા હતા.

કાળથીયે આકરી તાકીદમાં જીવ્યા હતા
હા અમે પણ સાવ સજ્જડ ભીંસમાં જીવ્યા હતા.

હા, અમે પણ પાંખથી છૂટેલ પીંછાઓ હતા,
હા, અમે પણ સાવ ઉજ્જડ નીડમાં જીવ્યા હતા.

આગમાં શેકાઈ ગ્યા’ તો ઈંટનો અવતાર લઈ,
આયખાભર એક મૂંગી ભીંતમાં જીવ્યા હતા.

લાખ ટહુકામાં ભળ્યા, કે લાખ ચાંચેથી ખર્યા,
એ છતાં અફસોસ છે કે ઠીબમાં જીવ્યા હતા.


0 comments


Leave comment