53 - બારી છે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


અંધ દીવાલથી તો સારી છે,
બંધ હોવા છતાંય બારી છે.

ઉછળે છે ઉછીના પાણીથી
આ નદી કેટલી બિચારી છે.

આમ જો તો ઉજાસ કરવાની,
સૂર્યની ક્યાં જવાબદારી છે.

વાત અમથી હતી ખરેખર તો,
તેં જ હાથે કરી વધારી છે.

જંગલો જોખમી બન્યા કિન્તુ
કેડિયો ક્યાં હજીય હારી છે.

લાખ નારાજગીની વચ્ચે પણ...
મેં તને ક્યાં કદી નકારી છે.


0 comments


Leave comment