2 - સંઘટ્ટ સંસિદ્ધિ / શબ્દે કોર્યા શિલ્પ / ધીરુ પરીખ
ઇટલીથી ઇંગ્લેન્ડ માર્ગે ગુજરાતમાં નાંગરેલું અને પછી પાંગરેલું સોનેટ ધીમે ધીમે મહદંશે ગુજરાતીતા ધારણ કરી પંડિતયુગથી અદ્યાપિ કવિપ્રિય અને ભાવકપ્રિય રહ્યું છે. એની ઇબારતપરસ્તીથી માંડીને આંતરિક ઇયત્તાપરસ્તીમાં ચુસ્તી રાખવાનું સર્જનકર્મ આપણી ભાષાના નીવડેલા સોનેટકવિઓએ નિભાવ્યું છે. વિચાર-ભાવની વળાંક સહિતની નિર્વહણકુનેહ અને સુયોજિત સંઘટ્ટ આકારનિર્મિતિ તથા ભાષાશૈલીકર્મની સભાન સર્જકતા સોનેટકાર માટે અત્યાવશ્યક છે. સફળ સોનેટ સર્જવું એ સરલ કામ નથી.
આ પૂંઠા પૂર્વેના ‘શબ્દે કોર્યાં શિલ્પ’નાં સોનેટ તેના સર્જક ભાનુપ્રસાદ પંડ્યાના સફળતાપૂર્વક સોનેટ સર્જવાનાં કલાકૌશલના નમૂનાઓ છે. તેમણે વિવિધ વિષય અને ભાવસંવેદનને અનુરૂપ છંદોલય તથા ભાષાશૈલીગત સૂઝ-સમજ અને સામર્થ્ય દાખવ્યાં છે. અહીંનાં ૧૦૧ સોનેટમાંથી અધઝાઝેરાં કવિની આ સ્વરૂપ પ્રત્યેની પ્રીતિ તો દાખવે જ છે, પણ સાથેસાથે સ્વરૂપાનુરૂપ સર્જનશક્તિનો પણ સારો એવો હિસાબ આપે છે. પ્રકૃતિની પશ્ચાદભૂનાં સુરેખ સંક્ષિપ્ત ચિત્રો સાથે માનવચિત્તનાં ઋજુ ભાવસંવેદનોને સાંકળીને વર્ણ્ય વિષયને ગહનગંભીર અને આહલાદક બનાવવાની ભાનુભાઈની ત્રેવડ અહીં અછતી રહેતી નથી. વિવિધ છંદો પરની તેમની સિદ્ધ હથોટી પણ અહીં સોનેટની આસ્વાદ્યતામાં ઉમેરો કરે છે. પ્રત્યેક સોનેટમાં એના અધોસ્થિત ઉત્તમાંગને ચમત્કૃતિયુક્ત વેધકતાથી એ સંસિદ્ધ કરી શક્યા છે. આમ, એકંદરે જોતાં આ સંગ્રહની સોનેટરચનાઓ ભાનુભાઈની સર્જકતાની સંઘટ્ટ સંસિદ્ધિ બની રહે છે અને એમને આપણી ભાષાના સફળ સોનેટકારોની હરોળમાં મૂકી આપે છે.

- ધીરુ પરીખ
0 comments
Leave comment