80 - સમય ઓઅન આ / ભાનુપ્રસાદ પંડ્યા


સમય પણ તે : જયારે ટોળે વળ્યાં ખગની સમા
પ્રહર ઉભરતા, ને દહાડા શીળી દ્રુમડાળખી
થઈ ઝૂલત, રૂ-પીંછે ગૂંથ્યા મુલાયમ નીડ શી
રજની સહુમાં શાં આળોટ્યા ! અરે થઈ ગારુડી
બજવી બીન સૌ પર્વો આવે, ક્ષણેક્ષણ રંગથી
છલકતી કરે, આંજી દેતા દ્રગે નર્યું વિસ્મય;
ખડકી, ગલી ને ચોરો, ઝાંપો, લીલુંછમ પાદર –
કમલદલ શાં ખૂલી જાતાં ખૂલે જરી નેત્ર ત્યાં !

સમય પણ આ : જાસૂસો થૈ ફરે સહુ યામ જ્યાં
દિવસ પણ દારોગા જેવા કતારમહીં ધસી
પ્રતિપલ કરે શ્વાસોની યે કડી પૂછતાછ કાં ?
બદલું પડખાં – બંદીખાના સમી અવ યામિની !
હથકડી નથી, પ્હેર્યા વસ્ત્ર નથી કંઈ ચોકડી;
તદપિ થથરી ઊભે રસ્તે જતી ક્યમ જિંદગી ?


0 comments


Leave comment