81 - સતત સરખો વ્યાપ્યો / ભાનુપ્રસાદ પંડ્યા
સમય ! તુજને ન્યાળ્યો : ખીલ્યો પ્રસૂન થઈ દ્રુમે,
પગલી સમ અંકાયો જોયો રજે ઘર-આંગણે
ગલી ગજવી તેં, ઘૂમ્યો સીમે, વળી જઈ પાદરે
પકડી તરુશાખાઓ ઝૂલ્યો, તર્યો ઘણું જૈ સરે !
કદી તુરાગ શી ફાળે ઊડ્યો, ભરી સુરમો દ્રગે
મલયસમીરે દીધાં પીછાં ધરી ફરતો બધે,
સ્પરશમદિરા પાતો જાણે ક્યહીં ડૂસકે મદમત્ત થૈ
ભુજવલયમાં બંધાતો ને ક્યહીં ડૂસકે વહ્યો !
દરસું વળી વાતોને ટેકે જતો ધરી યષ્ટિકા
સ્મરણતણી, ખૂટે ના એવા પથે લથડી પડી !
જરઠ તનુને ઢીલાં ગાત્રે વને જ્યમ કેસરી
ઘડીઘડી ભાસી રહે તેવો-દ્રવે દિલ એહવો !
સમય ! રચી એ લીલા અબ્રે નભે છલના સમી !
સતત સરખો વ્યાપ્યો-વૃદ્ધિ નહીં કશીયે કમી !
0 comments
Leave comment