82 - રહું ગાઈ... / ભાનુપ્રસાદ પંડ્યા


મળ્યાં ઉજાસોનાં અગણિત રૂપો શાં નીરખવાં ?
નભેથી ચંદા જ્યાં ઊતરી ઘરમાં તેજટપકું
થઈ, સ્પર્શી – વળગી ઉદિત રવિનાં ભર્ગની અણી,
ઝર્યા શાં હેતાળાં જનનીદ્રગનાં ઉજ્જવલ અમી !

વછૂટ્યાં માંજેલી ગગરી થકી જે હાસ ઊજળાં
નિહાળ્યાં, તે રાતે શગ થઈ બધે રોમ પ્રગટ્યાં,
સળી શાં રેલાયાં શિશુનયન – જે નિદ્રિત ઢળ્યાં,
વહાલોનાં વેણે ટશર સમું કેવું ઝળહળ્યાં !

અરે, આ ઉજાસો પળ પ્રહર ને દિવસ તણાં
વિલાતાં-રેલાતાં રૂપ પલટતાં વાદળ સમાં !
ધસ્યાં શું આયુષ્યે મૃગજળ મટી સાગર થવા ?
લિબાસોમાં લાગે સૂરજ – પણ શું જૂગનૂ બધાં ?

હશે આભાસોમાં અધુરપ – નહીં કાંઈ પરવા !
રહું ગાઈ થોડાં મધુરપણાં ગાન ગરવાં.


0 comments


Leave comment