83 - દુઃખસમ્રાટ / ભાનુપ્રસાદ પંડ્યા
સંકેલી લૈ દિન તિમિર શા ભેરુને સ્કંધ હાથ
મૂકી, પાંખે હલમલી ઊઠે આખું અંકાશ તેમ
એડી મારી ઝટ ઉલુકને અશ્વપેરે પલાણી,
સૉરી નાખે તન પવનનું કેતકીપત્ર એવું
માથે રાખી ધ્વજ સમ, નિસાસાનું સંગીત રેલી,
વાંકોચૂકો પથ ખીણ અને ટેકરીનો લઈને,
ગામે ગામે પરબ પણ કૈ પીડાની બાંધી આપી
મારે દ્વારે બહુ દિન પછી દુઃખસમ્રાટ આવ્યા !
‘આવો આવો!’ ઊચરું હજી ત્યાં એ જ સામેથી દોડી
ભેટ્યા, હું જે સતત વહતો ભાર તે માનનો લૈ
ફેંકી દીધો ! બરછટ હથેળી કપોલે અડાડી
અર્પ્યો એણે વિભવ મુજને અશ્રુનો શો અખૂટ !
તોડી પાડી ચપટી સુખનું સાંકડું સદ્મ મારું
આપી દીધું અઢળક મને વેદનાવિશ્વ સારું !
0 comments
Leave comment