84 - સુધન્ય ! અહીં અશ્વ એ / ભાનુપ્રસાદ પંડ્યા


દ્રગો વરસ કૈંકથી સતત ખોળતાં – ક્યાં હશે
સુપાદ અમ અશ્વ એ – ગરવી ચાલ રેવાલમાં
સચેત પદચિહ્ન જે સમયવપક્ષે આંકતો ?
વિલીન થઈ એહ શું અતીતરાનમાં સંચર્યો ?
પલાણી હય એ, કરે ગગન – ઊર્ધ્વ ભાલો ધરી
સુદૂર ગૂઢ ભાવિને નજર જેહની તાકતી,
અનેક ઋજુ ઉરનાં મૃદુલ સ્પન્દ સંકોરતો
ભળાય અસવાર એ – જગત સર્વ જે ઘૂમતો ?

સુધન્ય ! અહીં અશ્વ એ અસલી એ જ મુદ્રા મહીં.
પધાર હય ! આંકવા દ્યુતિલ અક્ષરી ડાબલા,
વિશાળ અમ આ પડી હૃદયભોમ ખુલ્લી સદા !
વિરામ ઘડી માન્ય, ના કદીય થાક તોખારને !
સવાર ! હજી ઘૂમવા મલક નવ્ય આ વિશ્વના
ઘણા ફલક માપવા શબદપ્રાપ્ય સંવિદના !

(‘કુમાર’ના પુન:પ્રાકટ્ય પ્રસંગે)


0 comments


Leave comment