85 - ભેટ ! / ભાનુપ્રસાદ પંડ્યા


હું ખંડ કો કઠિન ને વરવી શિલાનો
લીધો ગ્રહી મૃદુલ કંકણવંત હસ્તે !
મેંદી તણાં હરિત પાન પરે ધરીને
વાટી રહે અવર પથ્થરપે ઘસીને !

બાજે તદા કરથી ઘૂઘરી જેમ વેગે
પર્ણો પિસાય ત્યમ ત્યાં મુજના પ્રહારે !
રાત્રિ તણો પ્રહર એક તહીં સમેટે
ઘૂંટેલ પત્ર ઢગને લઘુ વાટકીમાં !

ખૂલ્યું જરીક નભ, પૂરવમાં અનેરી
લીલી છવાઈ, મુજ કાય તદા નિહાળું :
પ્હેર્યો શું મેં ગગનરંગ મદીય અંગે ?
કાં હુય તે રતૂમડો ? ક્યમ લાલ શિલા ?

પિસાય જે અદય અશ્મથી સર્વ હિના
દે ભેટ એ ? ભૂખારને કરી રંગભીના ?!


0 comments


Leave comment